આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના ભાવ વધતા વડોદરા ગેસ કંપનીને દર મહિને રૂપિયા 3.50 કરોડની ખોટ જઈ રહી હોય હવેથી પ્રતિ ક્યુબિક મીટરે રૂ10 નો ભાવ વધારો કરવામાં આવનાર છે.
હાલ વડોદરા ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 47.15નો ભાવ ચાલી રહ્યો છે જેમાં હવે રૂ.10 નો ભાવ વધારો થવાથી પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 57 થઇ જશે.
અત્રે નોંધનીય છે કે જાન્યુઆરીમાં પ્રતિ ક્યુબિક મીટરના રૂ. 27.50 નો ભાવ હતો. તેમાં દર બે મહિને ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં માર્ચ 2022 માં રૂપિયા 34.50 પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ હતો, તે મે મહિનામાં રૂપિયા 43.70 કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જુલાઈ મહિનામાં રૂપિયા 47.50 કરવામાં આવ્યો હતો. જ્યારે વડોદરા ગેસ કંપની સામે અન્ય ગુજરાત ગેસ કંપનીનો ભાવ મે મહિનામાં રૂપિયા 55.25 પ્રતિક ક્યુબીક મીટરનો હતો અને હવે લગભગ પ્રતિ ક્યુબિક મીટરમાં રૂપિયા 9થી 10નો ભાવ વધારો આગામી ટૂંક દિવસોમાં લાગુ કરવામાં આવશે જોકે,ગેસના ભાવ વધારાને લઈ ગ્રાહકોમાં અસંતોષની લાગણી ઉઠવા પામી છે અને ગેસની બોટલ અને પાઇપ લાઈન બન્ને સરખો ભાવ થઈ જવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.