ડીસામાં બનેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડના કામ દરમિયાન ખરાબ થયેલ નીચેનો રસ્તો રીપેર ન કરતા નવ જાગૃત નાગરિકોએ સીઆરપીસી 133 મુજબ કરેલી ફરિયાદમાં કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નેશનલ હાઇવે ઓથોરિટીની દેખરેખ હેઠળ રોડનું સમારકામ કામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કર્યો છે.
ડીસામાંથી પસાર થતા નેશનલ હાઇવે 44 પર અંદાજિત સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનાવતા ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ તો દૂર થઈ છે, પરંતુ બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા અને રસ્તો ખરાબ થઈ ગયો છે. બ્રીજ બનાવ્યા બાદ નીચેનો રોડ કોન્ટ્રાક્ટરે રીપેર કર્યો ન હતો.
જે મામલે સ્થાનિક લોકોએ અને નેતાઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી રોડ પહેલા જેવો કર્યો ન હતો. તેના કારણે નીચેથી પસાર થતા રોજના 10 હજારથી પણ વધુ વાહન ચાલકો ભારે યાતના ભોગવવી પડતી હતી.ખાડા અને થીંગડાવાળા ઉબડ ખાબડ રોડ પરથી પસાર થતા અનેકવાર નાના-મોટા અકસ્માતો હતા. વારંવાર રજૂઆત બાદ પણ રોડનું કામ પૂર્ણ ન થતા આખરે ડીસાના 9 જેટલાં જાગૃત નાગરિકોએ સીઆરપીસીની કલમ 133 મુજબ ફરિયાદ કરી હતી.
જે મામલે દિનેશ અમૃતજી ઠાકોર, જીગ્નેશ પીરાભાઈ બાર, કમલ કિશનલાલ મહેશ્વરી, રવિ રૂપચંદભાઈ દેવાણી, ડો. રમેશ ઈશ્વરભાઈ પટેલ, વિજય ઈશ્વરલાલ દવે, કમલેશ મોહનલાલ ઠક્કર, મુસ્તકીન ઈકબાલભાઈ મેમણ અને પ્રકાશકુમાર રેવાભાઈ સોલંકીએ સીઆરપીસી 133 મુજબ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ કરી હતી.
જેમાં ફરિયાદીઓના વકીલ સુભાષ ઠક્કરે જરૂરી દસ્તાવેજ અને પુરાવાઓ રજૂ કર્યા હતા. તે જોતા રોડ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીની અનેક ક્ષતિઓ અને બેદરકારી બહાર આવી છે. તેને ધ્યાને લઈ ડીસાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ નેહા પંચાલે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ કન્સ્ટ્રક્શન કંપનીએ રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરે છે.
હુકમમાં જણાવ્યું હતું કે, રચના કન્સ્ટ્રક્શન કંપનીએ ડિફેક્ટ લાયાબીલીટીજ પીરીયડ દરમિયાન રોડનું મેન્ટેનસ કરેલ નથી અને હવે ડિફેક્ટ લાયાબિલિટીઝ પીરીયડ પતી ગયા પછી સીઆરપીસીની કલમ 133 ની કાર્યવાહીથી બચવા અને પોતાને પક્ષકારમાંથી નામ કમી કરાવવા માટે ખોટી રજૂઆતો અને પુરાવાઓ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ છે અને કોર્ટે સાથે મિસચીફ કરેલ છે. તેમજ એકબીજા પર જવાબદારી ઢોળી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરેલ છે. ડિફેક્ટ લાયાબિલીટીસ પિરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટરે શરતો મુજબ કામ કરેલ નથી.
જેનો ભોગ જાહેર જનતાએ બનવું પડી ગયું છે અને પબ્લિક ન્યુસન્સ થતું હોઈ રજૂ કરેલ પુરાવાઓ, ફોટોગ્રાફ્સ અને પોલીસ પંચનામાને ધ્યાને લઇ નેશનલ હાઇવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીએ કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે. તેમજ ફરજમાં બેદરકારી દાખવી પબ્લિક ન્યુસન્સ ઊભું કરવા માટે તેમના વિરુદ્ધ સીઆરપીસીની કલમ 133 મુજબ દંડકીય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.