મહા સુદ આઠમ એટલે કે આઇ શ્રી માં ખોડીયારની જન્મ જયંતિની ડીસામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મોડી સાંજ સુધી દર્શનાર્થીઓની કતારો લાગી હતી.

ડીસા શહેરના વિ.જે.પટેલ શાકમાર્કેટ સામે આવેલ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે શનિવારે ખોડીયાર માતાજીની આઠમ હોવાથી વહેલી સવારથી જ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો બાધા-આખડી પૂર્ણ કરવા અર્થે તલની સાની અને લાપસી તેમજ નારીયેળનો પ્રસાદ ધરાવતા હતા.

જ્યારે શ્રી ખોડીયાર યુવા મિત્ર મંડળ દ્વારા ભક્તજનો માટે 721 કિલો ઘઉં, 700 કિલો ગોળ, સૂકો મેવો 100 કિલો અને 27 ડબ્બા ઘી મળી અંદાજીત પાંચ હજાર કિલો ઉપરાંત લાપસી પ્રસાદ માટે વહેંચવામાં હતી તેમ સંચાલક ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું. મોડી સાંજ સુધી દર્શનાર્થીઓની કતારો જોવા મળી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફીક ડાયવર્ટ કરી દિવસભર બંદોબસ્ત જાળવ્યો હતો.