ડીસામાં ઇલેક્ટ્રિકલ વહિકલ ઓલાના એક ગ્રાહકે પોતાનું ઇવી બાઇક બગડવાના કારણે કંપનીમાંથી સર્વિસ ન મળતા શોરૂમ આગળ જ બાઈક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ અને કંપનીના મેનેજર સહિત સ્ટાફે દોડી આવી ગ્રાહકને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે, પરંતુ ઘણી વખત સર્વિસના સેક્ટરમાં કંપનીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા કે યોગ્ય રીતે કાર્ય પૂર્ણ થતા ગ્રાહકો કંટાળી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ડીસા શહેરમાં બન્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના ખીમત ગામે રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ રબારીએ છએક માસ અગાઉ ડીસાના હવાઈ પિલર સામે ઓમ પાર્ક આગળ આવેલા ઓલા ઈલેક્ટ્રિકલ વ્હીકલ શોરૂમમાંથી ઓલા ઇવી બાઈક લીધું હતું. જે છેલ્લા ત્રણેક માસથી ખરાબ થઈ જતા તેઓ કંપનીના શોરૂમ ઉપર લઈ આવ્યા હતા. જોકે શોરૂમમાંથી યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો હતો. ત્યાર બાદ તેઓએ પોતાનું વ્હીકલ શોરૂમ પર મૂકી દીધું હતું.

છેલ્લા 45 દિવસથી બાઈક શોરૂમ ઉપર પડ્યું હતું, પરંતુ કંપની કે શોરૂમૉવાળા કોઈ પ્રકારનો જવાબ આપતા ન હતા. જ્યારે ગત 7 ફેબ્રુઆરીના રોજ તેઓને મેસેજ મળ્યો હતો કે તમારું ઇવી ઠીક થઈ ગયું છે. જેથી તેઓ તા. 8 ફેબ્રુઆરીએ લેવા આવ્યા ત્યારે પરિસ્થિતિ જેવીને તેવી જ હતી. કોઈ પ્રકારનું કામ થયું ન હતું.

જેથી તેઓએ કંપનીને ફરીથી જણાવ્યું હતું, પરંતુ કોઈ કામ ન થતા આજે કંટાળીને તેઓએ શો-રૂમ આગળ જ પેટ્રોલ ભરેલી બોટલ લઈ આવી પોતાના ઇવીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસ અને શો રૂમના મેનેજર અને સ્ટાફના લોકો દોડી આવ્યા હતા. ભારે રકઝક બાદ મગનભાઈ રબારીને સમજાવતા આખરે મામલો થાળે પડ્યો હતો અને કંપની દ્વારા તેઓનું ઇવી યોગ્ય રીતે સર્વિસ કરીને આપશે તેવું જણાવ્યું હતું.