પાલનપુરના દેવપુરામાં આવેલા મકાનમાં બોલાવી લાખણીના વેપારી સાથે યુવતીએ અંગત પળોના ફોટા પાડ્યા હતા. જે પછી દુષ્કર્મ કર્યુ હોવાનું કહી બ્લેક મેઇલ કરી નાણાંની માંગણી કરવામાં આવી હતી. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે એક મહિલા અને તેને મદદગારી કરનારા શખ્સ સામે ગૂનો નોંધી બંનેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાખણી તાલુકાનો એક વેપારી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જે પછી મહિલાએ તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. દરમિયાન 26 જાન્યુઆરીએ મહિલા આ વેપારીને પાલનપુર તાલુકાના દેવપુરા ગામે એક વ્યકિતના ઘરે લઇ ગઇ હતી. જ્યાં રૂમમાં અંગત પળોના ફોટા પાડ્યા હતા. અને ડીસાના તુલસીભાઈ જયરામભાઈ જોષી સાથે મળી આ વેપારીને તેના ફોટા વાઇરલ કરી બદનામ કરવા તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસે લાખો રૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. આથી વેપારીએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહિલા અને ડીસાના શખ્સ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પશ્વિમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા અને ડીસાના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.