વઢવાણ શહેરના ઐતિહાસિક ધર્મ તળાવને રમણીય બનાવવા કવાયત હાથ ધરાઇ છે. જેમાં રૂ।.70 કરોડના ખર્ચે તૈયાર થનાર ધર્મતળાવનું શનિવારે ખાતમૂહૂર્ત કરાયું હતું. જેનાથી વઢવાણ અને જોરાવરનગરના શહેરીજનોને ફરવા માટેની સુવિધામાં વધારો થશે.વઢવાણ ઐતિહાસિક ધર્મ તળાવમાં ગંદકી અંગે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા બ્યુટિફિકેશન યોજના અંતર્ગત પાલિકને ગ્રાન્ટની ફાળવણી કરાઇ હતી. જેના ખાતમૂહૂર્તમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ અને પ્રવીણસિંહ, વિજયસિંહ, વજુભા, વઢવાણ વિસ્તારના સુધરાઇ સભ્યો જોડાયા હતા. આ તળાવને રમણીય બનાવવામાં રૂ।.69 કરોડના ખર્ચે બાળકોને રમવા માટે બગીચો, રાઇડ્સ, મોર્નિંગ વોક માટેનો વોક વે, ટેકરી, હવામહેલ વગેરેનું બ્યુટિફિકેશન કરાશે. આ ઉપરાંત નર્મદાના નીરમાંથી તળાવને ભરવામાં આવશે. જીતેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું હતું કે બગીચાની સારસંભાળ અને દેખરેખ માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ બગીચામાં ફૂડ સ્ટોલ બનાવીને સવાર સાંજ લોકોને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઇ છે.