રામાણી કુમકુમે ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડ્લ મેળવી સાબર સ્ટેડિયમ હિંમતનગરનુ ગૌરવ વધાર્યું

 કુમકુમે ૫.૫૭ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો

*********

          તમિલનાડુના ચેન્નઇ ખાતે યોજાયેલ ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તા. ૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં ૫.૫૭ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

     અમરેલી જિલ્લાની રામાણી કુમકુમના પિતા ભરતભાઇ રામાણી ખેડૂત અને માતા ગૃહિણી છે. કુમકુમ રમતની તાલીમ અગાઉ ડી.એલ.એસ.એસ. જામનગર ખાતે મેળવી વધુ તાલિમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમમાં તાલીમ લઈ રહી છે. તે ખુબ જ મહેનતુ અને સમર્પિત ખેલાડી છે. જેને સખત પરિશ્રમ થકી રાષ્ટ્રિયકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક વખત અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓના નામ રોશન કર્યા છે

  રાજ્યના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથો. ઓફ ગુજરાત દ્રારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોના નિર્માણ કરવામાં આવ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દિર્ગદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા ગુજરાતની શાળા કોલેજના વિધાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી આ રમત સંકુલોના નિર્માણ થયા છે. જે ઉમદા હેતુથી આ સંકુલો બનાવાયા છે તે સિધ્ધ થતા દેખાઇ રહ્યા છે.