ડીસા હાઇવે પર ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડની હાલત દયનિય બનતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે મામલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તુટેલા રોડની મુલાકાત લઇ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ડીસા હાઇવે પર કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવીને ટ્રાફીક સમસ્યામાંથી શહેરજનોને મુક્તિ અપાવી છે પરંતુ ઓવરબ્રિજ બન્યા બાદ શહેરજનોની મુશ્કેલીમાં ઘટાડો થવાની જગ્યાએ સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને લઈને મુશ્કેલીઓમાં વધારો થયો છે. સર્વિસ રોડ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નવિન રોડ ન બનતા બે વર્ષ બાદ આજે પણ શહેરીજનો અને વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. થોડા દિવસ પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તુટેલા રોડ પર માત્ર થીંગડા મારીને સંતોષ માનયો હતો. પરંતુ થોડા મહીના બાદ ફરીથી એજ સર્વિસ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને તકલીફ પડે છે.

ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષ ઠક્કર સહિત વિજય દવે અને કોંગ્રેસના આગેવાન ભેમા ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા રાજ મંદીર સર્કલથી થોડે દૂર પ્રાઈમ હોટલ પાસે સર્વિસ રોડની મુલાકાત લીધી હતી અને વાહનચાલકોની તકલીફો જાણી હતી. જ્યાં છેલ્લા કેટલાક સમયથી સર્વિસ રોડ તુટેલ રોડ પર અનેક વાહનચાલકો પસાર થાય છે અને આ રોડ પર સ્થાનિક નેતાઓ સાથે જિલ્લા અને રાજ્યના વહીવટી તંત્રના અધિકારીઓ રોજબરોજ અવરજવર કરી રહ્યા છે છતાં આજદિન સુધી આ તુટેલા રોડને નવિન રોડ બનાવવા માટે કોઈ જ વ્યવસ્થા ઉભી ન કરાતા આમ આદમી પાર્ટીના હોદેદારોએ નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો હતો.

જો સત્વરે આ રોડનું સમારકામ કરાવી નવિનરોડ બનાવામાં નહીં આવે તો કાર્યકર્તાઓ રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પછી જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોની રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.