ડીસામાં આરોગ્યલક્ષી પાયાની અને મહત્વની કામગીરી કરી રહેલા આશાવર્કર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે કામગીરીથી અળગા રહી હડતાલ કરી હતી. તેમજ આજે રેલી યોજી આરોગ્ય અધિકારી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલા આશાવર્કર બહેનોને પોતાની માંગણીઓના સંતોષાતા આખરે હડતાલ પર જવું પડ્યું છે. જેમાં ડીસા આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી આજે કામકાજથી અળગા થવાનો નિર્ણય કર્યો હતો. આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, તેઓનો 50% ટોપઅપ વધારો સમયસર ન ચુકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદતની કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે.
આરોગ્ય ક્ષેત્રે મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે આશાવર્કર બહેનોને વખતોવખત અન્યાય કરવામાં આવી રહ્યો છે. 50% ટોપઅપ વધારો એપ્રિલથી આજદિન સુધી 10 માસથી ચૂકવાયો નથી. જ્યારે 2500 રૂપિયા માસિક વધારો પણ ડીસા તાલુકામાં જૂનથી આજદિન સુધી એટલે કે આઠ માસનો બાકી છે.
આ ઉપરાંત તેઓની પડતર માંગણીઓમાં ઇનસેંટિવ જેવી કે શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશાવર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે, વર્ગ-4નું કાયમી મહેકમ ઊભું કરી તેમાં આશાવર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે, આશાવર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે, ઓનલાઇન કામગીરી માટે આશાવર્કર બહેનોને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન આપવામાં આવે.
ઉપરાંત દર વર્ષે આશાવર્કર બહેનોને યુનિફોર્મ સાડી ડ્રેસ આપવામાં આવે તેમજ અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગથી ઇનસેંટિવ આપવામાં આવે સહિતની માગ સાથે આશાવર્કર બહેનોએ રજૂઆત કરી આ માંગણીઓ નહી પુરી કરાય ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન આરોગ્યલક્ષી કામગીરી ખોરવાય તો આશાવર્કર બહેનોની કોઈ જવાબદારી નથી તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.