ડીસા શહેરમાં આવેલા બેકરી કુવા વિસ્તારમાં જેટલા ઘણા સમયથી રસ્તા અને પાણી નિકાલની વ્યવસ્થા સારી રીતે ન હોવાના કારણે સ્થાનિક મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવતા આજે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર સામે સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

ડીસા શહેરના બેકરી કુવા વહોળા વિસ્તારમાં મોટાભાગે શ્રમજીવી લોકો વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવેલા તૂટેલા વ્હોલાનાં અને રસ્તા ખરાબ હોવાના કારણે વારંવાર તકલીફો ભોગવી રહ્યા છે. ખાસ કરીને બેકરી કુવા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક લોકો તૂટેલા રોડના કારણે વારંવાર અકસ્માત નો ભોગ બની રહ્યા છે. જેના કારણે અહીંથી પસાર થતા લોકો હવે ઘરથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. બીજી તરફ અહીં બનાવેલા વ્હોલા ની પરિસ્થિતિ પણ તૂટેલી હાલતમાં છે. જેના કારણે આજુબાજુના વિસ્તારોમાંથી આવતું પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે. જેના કારણે આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ આ વિસ્તારના લોકોને સતાવી રહી છે.

ખાસ કરીને અહીં અનેક જગ્યાએ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા નાના બાળકો પડી જવાનો ભય પણ આ વિસ્તારના લોકોને સતાવી રહ્યો છે. આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ પ્રકારે આ વિસ્તારના લોકોને નથી તો રોડ સારો બનાવી આપવામાં આવ્યો કે નથી તો તૂટેલો વહોળો સુધારવામાં આવ્યો. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજે બેકરી કુવા વ્હોળા વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. તાત્કાલિક આ વિસ્તારમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સૂત્રોચાર કર્યા હતા.

સ્થાનિક મહિલાઓએ પોતાના વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિ થઈ હોવાનું વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે દરેક લોકો અહીં વોટ લેવા માટે આવે છે પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈપણ નગરપાલિકાનો સભ્ય વિસ્તારમાં જોવા આવતો નથી. જેના કારણે આજે આ વિસ્તારમાં રસ્તા વગર લોકોની હાલત ખરાબ થઈ છે. ત્યારે જો આગામી સમયમાં આ વિસ્તારને સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા નગરપાલિકામાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.