ડીસામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયનની બેઠકમાં લેબર તેમજ લાઈટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટેની માંગ સાથે વિરોધ કર્યો છે.

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિઅન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જેમાં બટાટાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોંગીગ, ગ્રેડીગ સહીતની ચર્ચાઓ કરવામાં આવે છે.

ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિઅનની બેઠક 26 મી જાન્યુઆરીએ યોજાઇ હતી. જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. એસોસિઅનના ચેરમેન ફૂલચંદભાઇ કચ્છવાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2024 ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂ. 2.00 હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રૂ. 2.20 કરવામાં આવ્યા હતા એટલે કે, કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

જ્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો રૂ. 2.40 હતા. જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂ 2.60 કરવામાં આવ્યું હતું. આમ બન્ને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ (50 કિલો) રૂ. 10 નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટાએ રૂ. 12.50 ગ્રેડીગ ચાર્જ અલગથી વસૂલનો નિર્ણય પણ લેવાયો છે. 

કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતા જ ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે. ખેડૂતોની માંગ છે કે, દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે. જેનો માર ખેડૂતોને સહન કરવો પડે છે એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધતાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે.

ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ જિલ્લામાં ચાલુ સાલે 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. જેમાં 3.15 કરોડ કટ્ટા સંગ્રહની કેપિસિટી છે. ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે રૂ. 31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે.