ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજે આપેલા પૈસા માટે એક યુવકનું અપહરણ કરી લૂંટ આચરી, જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. અપહરણ કરનાર પાંચ શખસોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને સબજેલ ખાતે મોકલ્યા છે.
ડીસા તાલુકાના યાવરપુરા ગામે રહેતા દિનેશભાઈ ચૌધરીએ ભડથ ગામના નારણસિંહ વાઘેલા પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ તેમણે ધીરે ધીરે કરી વ્યાજ સાથે કુલ 5.50 લાખ રૂપિયા પરત ચૂકવ્યા હતા. તેમ છતાં પણ આ વ્યાજખોર ટોળકી તેમની પાસેથી વારંવાર પૈસાની ઉઘરાણી કરતી હતી. તે દરમિયાન દિનેશભાઈ ચૌધરી શેરપુરા ગામે ઊભા હતા ત્યારે, અચાનક કારમાં આવેલા 5 શખ્સો તેમને બળજબરીપૂર્વક કારમાં નાંખી ઉઠાવી ગયા હતા. તેમજ તેમને ઢોર માર મારી તેમની પાસેથી 20 હજાર રૂપિયાની લૂંટ આચરી હતી.
બાદમાં દિનેશભાઈને મારી નાખવાના ઇરાદે સ્વીફ્ટ કારમાં ગોંધી રાખી રાજસ્થાન તરફ લઈ જઇ રહ્યા હતા. આ બનાવની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસે તરત જ તપાસ હાથ ધરી દિનેશભાઈને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યા હતા. તેમજ અપહરણ કરનાર નારણસિંહ વાઘેલા, વિક્રમસિંહ રાજપુત, મુકેશ ચૌહાણ, બિજલસિંહ વાઘેલા અને ખેમભા વાઘેલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી કાર પણ જપ્ત કરી હતી. ડીસા તાલુકા પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસ મેળવ્યા હતા. તેમની પાસેથી આ કેસ અંગે વધુ જાણકારી મેળવી તમામ આરોપીઓની સબજેલ ખાતે ધકેલ્યા છે.