ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે અને મંજૂરી વગર બનતા શોપીંગનું કામ બંધ કરવા અને કાગળો રજૂ કરવા પાલિકાએ નોટીસ આપી છતાં બિન્દાસ શોપીંગના કામો ચાલી રહ્યા છે. જ્યારે કેટલાક બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે પાર્કિંગની જગ્યા છોડ્યા વગર મસમોટા શોપિંગ ઉભા કરી રહ્યાના આક્ષેપો થઇ રહ્યા છે.
ડીસાના પાટણ સ્ટેટ હાઇવે પર અને ડીસાના લાલચાલી રહેણાંક વિસ્તારમાં કેટલાક બિલ્ડરો નકશા વિરુદ્ધ તો કેટલાક મંજૂરી વગર શોપિંગ બાંધી રહ્યા છે. તો પાટણ હાઇવે પર સોસાયટીનો કોમન પ્લોટ પર દબાણ કરીને પણ બાંધકામ કરી રહ્યા છે. જેની ફરિયાદ નગરપાલિકા પાસે જતા નગરપાલિકાએ 5 શોપીંગને નોટિસ આપી બાંધકામને લગતા કાગળો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં કેટલાક બિલ્ડરોએ કાગળો રજૂ કર્યા છે તો કેટલાકે રજૂ કર્યા નથી છતાં બાંધકામ ચાલુ રાખી જાણે કાયદાનો કે નોટીસનો ડર ન હોવાનું સ્થાપિત કરી રહ્યા છે.
ત્યારે બુધવારે જાગૃત નાગરિકો દ્વારા લાલાચલીમાં ચાલી રહેલ બાંધકામ બાબતે રજૂઆત કરતા પાલિકાના પ્રમુખે ટાઉન પ્લાનિંગની ટીમને મોકલી કામ બંધ કરાવ્યું હતું. પરંતુ બે કલાક બાદ ફરી કામ શરૂ કરી દીધુ હતું. તો પાટણ હાઇવે પરના બિલ્ડરો પણ શોપીંગના કામો ચાલુ રાખતા તેમને પણ બંધ કરવા સૂચના અપાઈ હતી છતાં પણ બાંધકામ ચાલુ રહ્યું હતું.
આ અંગે નગરપાલિકાના ટાઉન પ્લાનર અધિકારી મનહર ઠાકોરે જણાવ્યું હતું કે, હું રજા પર છું મને જાણ થતાં મેં કામ બંધ કરાવવા કર્મીને મોકલેલ હતો અને બંધ પણ કરાવ્યું હતું છતાં જો શરૂ કર્યું હશે તો કાલે ફરી રૂબરૂ જઈ નોટિસ આપીને કામ બંધ કરાવીશું.’
આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, નોટીસ બાદ પણ જો બાંધકામ ચાલુ હશે તો પંચનામું કરી બાંધકામ દૂર કરાશે. વધારાનું બાંધકામ પણ દૂર કરાશે.’
બિલ્ડરો ચૂંટાયેલા એક નેતા સાથે બેઠક કરી તેના દ્વારા પાલિકાના ચીફ ઓફિસર પર દબાણ લાવી કામ ચાલુ કરાવવા જણાવ્યું હતું. જોકે, નોટીસ આપ્યાના ગણતરીના દિવસોમાં ચીફ ઓફિસરની બદલી થઈ જતાં બિલ્ડરોમાં ખુશી જોવા મળી હતી અને બિન્દાસ શોપિંગનું કામ શરૂ કર્યું હતું. આમ ચીફ ઓફિસરની બદલી પણ નોટીસ આપતાં રાજકીય નેતાએ કરાવ્યાની લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.