ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જીમખાનું ન હોવા છતાં પણ વર્ષોથી ઉઘરાવવામાં આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આચાર્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્રણ દિવસમાં જીમખાનાની ફી ક્યાં વાપરી છે અને તાત્કાલિક જિમખાનુ બનાવવા માટે યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાથી ચીમકી ઉચ્ચારી છે.

ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ ત્યારથી જ વિદ્યાર્થીઓ પાસેથી જીમખાનાની ફી ઉઘરાવવામાં આવે છે. કોલેજમાં સંચાલકો દ્વારા હજુ સુધી જીમખાનું બનાવ્યું નથી તેમ છતાં પણ વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે જીમખાનાની ફી ઉઘરાવવામાં આવે છે.

 જે બાબત ધ્યાને આવતા જ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિદ્યાર્થીઓ સાથે કોલેજના આચાર્યને આવેદનપત્ર આપ્યું હતું. કાર્યકરોએ રજૂઆત કરી હતી કે જીમખાનું ન હોવા છતાં પણ કોલેજમાં શા માટે જિમખાના ફી ઉઘરાવવામાં આવે છે. તેનો ત્રણ દિવસમાં હિસાબ આપવા અને તાત્કાલિક જીમખાનું બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગર મંત્રી અક્ષય શર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પાસેથી ડીસા કોલેજના સંચાલકો દર વર્ષે જીમખાના ફી ઉઘરાવે છે. હકીકતમાં કોલેજમાં જીમખાનું છે જ નહીં તેમ છતાં પણ ફી ઊંઘરાવે છે અને તે ફી સ્પોર્ટ્સના વિકાસ માટે વાપરવામાં આવે છે. ત્યારે કોલેજના સંચાલકો જો અમને ત્રણ દિવસમાં અત્યાર સુધીની જીમખાના ફી ક્યાં અને કઈ રીતે વાપરી તેનો હિસાબ નહીં આપે અને તાત્કાલિક જીમખાનુ બનાવવા માટેની કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.