ડીસામાં એક ખેડૂતે સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવા માટેનું મલચર મશીન લાવ્યું છે. જે મશીનથી મજૂરોની અછતની સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને દિવસ પર કામ કરતા મજૂરોની જગ્યાએ માત્ર બે કલાકમાં જ બટાકાના છોડ કાપવાની સાથે સાથે ખેડૂતોને ખર્ચ અને સમયની બચત થાય છે.
ડીસા પંથકમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 52 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. જેમાંથી 36 હજાર હેક્ટર તો માત્ર ડીસા પથકમાં જ બટાકાનું વાવેતર થયું છે. ત્યારે દર વર્ષે ખેડૂતો બટાકાની ખેતી ઓછા ખર્ચે સરળ રીતે કરે તે માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી મજૂરોની અછત હોવાના કારણે જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ જાય છે. ત્યારે બટાકાના છોડ કાપવા માટે મજૂરોની ભારે સમસ્યા સર્જાય છે.
જેથી આ સમસ્યાને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત ડાહ્યાભાઇ સુંદેશા અને દિલીપભાઇ પી. ટાંક આ વર્ષે બટાકાના છોડ કાપવાનું મલચર મશીન લાવ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી 1.35 લાખ રૂપિયામાં લાવેલ આ મશીનથી ખેડૂતને સમયની સાથે સાથે ખર્ચમાં પણ મોટો ફાયદો થાય છે. જેથી બટાકાની ખેતી કરવી હવે થોડી વધુ સરળ બનશે.
આ અંગે ખેડૂત ડાહ્યાભાઇ સુંદેશા અને દિલીપભાઇ પી. ટાંકે જણાવ્યું હતું કે, દર વર્ષે બટાકાની ખેતીમાં બટાકાના છોડ કાપવા માટે મજૂરો લાવવા માટેની ખૂબજ માથાકૂટ રહે છે. મજૂરોની શોરટેજ હોવાથી ખૂબજ સમય રહે છે અને મંજૂરો આવ્યા પછી પણ મજૂરો પાસે દિવસભર ઊભા રહી કામ કરાવવું પડે છે. ત્યારે આના ઉપાય માટે અમે આ વર્ષે મધ્યપ્રદેશથી મલચલ મશીન લાવ્યા છીએ. જે મશીન અમે ભાડા સાથે કુલ 1.35 લાખ રૂપિયામાં ખરીદી કરી છે. આમ તો આખો દિવસ જેટલા મજૂરો કામ કરે એ કામ આ મશીનથી માત્ર બેથી ત્રણ કલાકમાં જ થઈ જાય છે એટલે મજૂરીમાં થતા ખર્ચમાં મોટી બચત થાય છે અને સાથે સાથે સમય પણ ખૂબ જ બચે છે.