ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ એક આરોપીને તડીપાર કર્યો છે. ચોરી રાયોટીંગ અને જાહેરમાં મારામારી સહિત છ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને ચાર જિલ્લાઓમાંથી બે વર્ષ માટે તડીપાર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેર ઉત્તર પોલીસે વારંવાર ગુનાઓ આચરી આતંક મચાવનાર આરોપીને બે વર્ષ માટે તડીપાર કર્યો છે. ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે ટકો શામળભાઇ લુહાર નામનો યુવક છેલ્લા ઘણા સમયથી અવાર-નવાર ગુન્હાઓ આચરતો હતો અને તેના પર અત્યાર સુધી ઘરફોડ ચોરી, રાયોટીંગ અને જાહેરમાં મારામારી સહિત છ જેટલા ગુનાઓ નોંધાયા હતા.

વારંવાર ગુનાઓ આચરી સમાજમાં આતંક ફેલાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ આરોપી સામે હદપારી માટેની દરખાસ્ત નાયબ કલેક્ટરને કરી હતી. જેથી ડીસા નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે આરોપીના ગુન્હાઓની હિસ્ટ્રી જોઈ આરોપી મહેશ લુહારને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત ચાર જિલ્લાઓમાંથી તડીપાર કર્યો છે.

ડીસા શહેર ઉત્તર પી.આઇ. વી. એમ. ચૌધરીના આવ્યા બાદ તેમના પોલીસ મથકની હદમાંથી અવાર નવાર ગુનાઓ આચરી પ્રજામાં ભય ફેલાવનાર અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓને તડીપાર કર્યા છે. અન્ય પોલીસ મથકમાં પણ અનેક ગુનેગારો વારંવાર ગુન્હાઓ આચરી સમાજમાં આતંક ફેલાવે છે. ત્યારે આવા રીઢા ગુનેગારો સામે પણ કાર્યવાહી થાય તો શહેરમાં શાંતિનો માહોલ બન્યો રહે.