ડીસામાં સોમવારે એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના માલગઢ ગામના અને હાલ ડીસામાં કિશોર પાર્ક સોસાયટીમાં રહેતા કલ્પેશ દેવાજી માળી (પરમાર) શાકભાજીનો વેપાર કરે છે.અગાઉ તેમણે જુદાજુદા શખ્સો પાસેથી વ્યાજ ઉપર પૈસા લીધા હતા. જેમાં કલ્પેશ માળીએ પપ્પુ રાજ પાસેથી પાંચ વર્ષ અગાઉ બે લાખ રૂપિયા લીધા હતા બાદમાં આ રકમ વ્યાજ સાથે ચાર લાખ પચાસ હજાર ચૂકવી દિધી હોવા છતાં પણ પપ્પુ રાજ ચાર લાખ રૂપિયાની માંગણી કરી ધમકીઓ આપતો હતો.

જ્યારે દિનશા પાસેથી રૂપિયા 50,000 લીધા હતા. જેના પેટે બાઈક અડાણે મૂક્યું હતું તે રકમ પણ હપ્તે કરી એક લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા હોવા છતાં દોઢ લાખ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. તેમજ નેહલ પંચાલ પાસેથી રૂ. 30,000 લીધા હતા. જે વ્યાજ સાથે રૂપિયા 50,000 ચૂકવી દીધા હતા તેમ છતાં પણ નેહલ પંચાલે કલ્પેશ માળીને આપેલો ચેક બેંકમાં નાખી તેના ઉપર કેસ કર્યો હતો.

જ્યારે કરસન પટેલ પાસેથી રૂ.70,000 લીધા હતા અને તેના બદલામાં વ્યાજ સાથે એક લાખથી પણ વધુ રકમ આપી દીધી હોવા છતાં પણ નવા 30,000 ની ઉઘરાણી કરી ધમકી આપતો હતો. જ્યારે કેતનસિંગ દરબાર પાસેથી 1 લાખ 80 હજાર લીધા હતા. જેના બદલે રૂપિયા 1.5 લાખ આપ્યા હતા તેમ છતાં પણ કેતનસિંહ દરબારે કલ્પેશભાઈ પાસેથી તેમના મિત્રની ગાડી લઈ લીધી હતી અને ગાડી જોઈતી હોય તો નવા દોઢ લાખની ઉઘરાણી કરતા હતા.

જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કલ્પેશ માળીએ સોમવારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નજીકના શોપિંગમાં દવા પી ઘરે ભાઈને ફોન કરી પરિવારને સાચવવાની વાત કરી હતી. જોકે, તેના ભાઈને જાણ થતા જ તે તુરંત સ્થળ પર આવી ગયો હતો અને કલ્પેશ માળીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આમની સામે ફરિયાદ

1.પપ્પુ રાજ, 2. દિનેશ ઉર્ફે દિનશા, 3. નેહલ પંચાલ, 4. અતિથ બાબજી, 5. કરસન પટેલ, 6. કેતનસિંગ દરબાર, 7. જીવણસિંગ દરબાર વ્યાજખોરોને લીધેલી રકમ કરતાં ડબલ રકમ ચૂકવી હોવા છતાં પણ ઉઘરાણી કરી ધમકી આપતાં હતા.