મકરસંક્રાંતિ પર્વને લઈ લોકો પતંગ દોરીની મોજ માણતા હોય છે. ત્યારે તેનો ભોગ આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ બનતા હોય છે. ડીસામાં પણ ઉત્તરાયણ નિમિત્તે 25 થી વધુ પક્ષીઓ ઘાયલ થતા સેવાભાવી યુવકો દ્વારા આયોજિત પક્ષી બચાવો સારવાર કેમ્પમાં આ પક્ષીઓને સારવાર અપાઈ હતી.
મસ્તીનો તહેવાર બની ગયેલા ઉત્તરાયણ પર્વમાં આકાશમાં ઉડી રહેલા પતંગોથી આકાશમાં મુક્ત મને વિહરતા પક્ષીઓનો ભોગ લેવાય છે. ત્યારે ડીસામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાભાવી જૈન યુવકોની અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા અને જય જલિયાણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. આ પક્ષી બચાવો અભિયાન કેમ્પમાં સેવાભાવી યુવકો સાથે પશુ ચિકિત્સકોની ટીમ પણ ખડેપગે રહે છે.
આ વર્ષે ઉત્તરાયણના દિવસે ડીસામાં રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ અને જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા પક્ષી બચાવો અભિયાન કેમ્પમાં 25 થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં કબૂતર કાગડા અને બાજ પક્ષીઓને સારવાર માટે કેમ્પ પર લાવી જરૂરી સારવાર કરી પક્ષીઓને ત્યાં જ પાંજરામાં રાખી ચણ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદના કેમ્પમાં બે મોટા ઘુવડ પક્ષી આવતા તેમને પાલનપુર વન વિભાગ દ્વારા જાણ કરી તેમના વાહનમાં મારફતે સારવાર માટે પાલનપુર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પતંગ રશિયા પતંગ ચગાવવાની પોતાની મસ્તીથી મોજ માણી હતી અને તેનો ભોગ અબોલ પક્ષીઓ બન્યા હતા.