આજે ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામે ગત મોડી સાંજે 10 વર્ષનો બાળક પતંગ લૂંટવા જતા એકાએક ગામના બિનઉપયોગી કૂવામાં પડી જતા મોતને ભેટ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વના ટાણે જ બાળકના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામમાં રહેતો 10 વર્ષનો રાહુલ જીતુભાઇ વણઝારા ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો. શનિવાર હોવાથી તે બપોરે 3 કલાકે અન્ય બાળકો સાથે ઘરેથી રમવા નીકળ્યો હતો. જ્યાં સાંજે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પતંગ કપાઈને બાળકો પાસે આવી રહ્યો હતો. તે દરમિયાન 10 વર્ષીય રાહુલ પતંગ લૂંટવા જતા નવા ઠાકોરવાસ પાસે આવેલા બિનઉપયોગી અને પાણી ભરેલા કૂવામાં બાળક પડી ગયો હતો.
સમગ્ર ઘટનામાં રાહુલ કૂવામાં ખાબકતા અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આસપાસના લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. બાળકોએ લોકોને જાણ કરી હતી કે, રાહુલ કૂવામાં પડ્યો છે. ત્યારબાદ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જોકે, ટાઈમે ફાયર ટીમ ન આવતા ગામના લોકોએ ભેગા થઈ લોખંડના એક હુક વડે બાળકને કૂવામાં શોધવા કામગીરી કરી હતી. જ્યાં કૂવો 45 ફૂટ ઊંડો અને અંદર પાણી સાથે કાદવ હોવાના કારણે ભારે જહેમત બાદ રાહુલના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતકના માતા-પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને મૃતકનો એક 8 વર્ષનો નાનો ભાઈ પણ હોવાનું જણાવ્યું હતું.
બાળકના મૃતદેહને બહાર કાઢી ખેરાલુની સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પી.એમ. કરવામાં આવ્યું હતું. જ્યાં દવાખાને બહાર પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, તહેવાર ટાણે દુઃખદ ઘટના બનતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સમગ્ર કેસમાં ખેરાલુ પોલીસ મથકમાં સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, પોલીસને આશરે સાંજે 7 કલાકે સમગ્ર ઘટના પગલે વર્ધિ દવાખાનેથી મળતા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.