ડીસા તાલુકા પોલીસે કુચાવાડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી હોન્ડા સિટી કાર ઝડપી લીધી હતી. જેમાં હરિયાણાના ખેડૂત યુવકને 360 બોટલ દારૂ સાથે ઝડપી કુલ રૂપિયા 4,68,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજસ્થાન હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. જેમાં ડીસા તાલુકા પોલીસને રાજસ્થાન તરફથી એક લક્ઝરી કારમાં દારૂ આવવાનો હોવાની બાતમી મળી હતી.
જેથી ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઇ એસ.એમ. પટણી, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, વિજયસિંહ તેમજ પો.કો. મુકેશભાઈ, અશોકભાઈ અને ભુપતભાઈની ટીમે કુચાવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી. જેમાં હોન્ડા સિટી કાર નંબર HR-36-M-2577 આવતાં તેને રોકાવી તપાસ કરતાં અંદરથી 360 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે રૂપિયા 1,58,400 ની કિંમતનો દારૂ, રૂપીયા 3 લાખની કિંમતની કાર સહિત કુલ 4,68,400 નો મુદ્દામાલ જપ્ત કરી કર્યો. તેમજ દારૂ લાવનાર પ્રવિણ દયાનંદ જાટ (બામેલ)(રહે. ખરકરા, તાલુકો.હનસી, જિલ્લો. હિસ્સાર,હરિયાણા)ની અટકાયત કરી હતી. પ્રવિણ જાટ જાતે ખેડૂત છે તે ખેતી કરવાને બદલે હાલ દારૂના ધંધામાં આવી દારૂની ખેપ મારી રાતોરાત માલામાલ થવાના સપના જોઇ રહ્યો છે.