ડીસા નગરપાલિકાએ વાવેલા ઝાડ અસામાજિક તત્વો કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડ બનાવવામાં આવી છે. જ્યાં ડીસા શહેરનો તમામ કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ ડમ્પીંગ સાઇટની આજુબાજુમાં નગરપાલિકાએ અનેક ઝાડ વાવ્યા છે. જેથી ડમ્પિંગ સાઇટથી થતા પ્રદૂષણ પર કંટ્રોલ લાવી શકાય ત્યારે કેટલાક અજાણા શખ્સો ડમ્પિંગ સાઈટ આગળ વાવેલા નવ આસોપાલવના ઝાડ કાપી ગયા છે.
આ બનાવની જાણ થતાં જ નગરપાલિકાના સત્તાધીશોએ આ મામલે તપાસ કરાવી હતી. જ્યાં ડમ્પિંગ સાઈટની આગળ તૈયાર થયેલા મોટા આસોપાલવના ઝાડને કટીંગ કરી અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાનું જણાયુ હતું. જે મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે અને ઝાડ કાપીને લઈ જનાર અજાણ્યા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.