ડીસામાં કરુણા ભક્તિ પરિવારે ઉત્તરાયણમાં અબોલ જીવોની સેવા માટે 20 હજાર લાડુ બનાવ્યા છે. આ લાડુ સામાજિક સંસ્થાઓ, ગૌશાળાઓ અને સોસાયટીના આગેવાનો લઈ જઇ ઉતરાયણના દિવસે અબોલ પશુઓને ખવડાવી દાન પુણ્ય મેળવશે.
ડીસામાં કરુણા ભક્તિ પરિવાર દ્વારા અનેકવિધ સેવાથી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ઉતરાયણના દિવસે પણ અબોલ પશુઓને ખવડાવવા માટે લાડુ બનાવ્યા છે. લોકોને મામુલી ખર્ચે લાડુ મળી રહે તે માટે કર્ણાભક્તિ પરિવારના ભરત ઠક્કરે અનોખું આયોજન કર્યું છે. જેમાં સેવાભાવી લોકોએ તેમને 900 ઘઉંનું ભરડું, 300 કિલો તેલ ,600 કિલો ગોળ અને 200 સોજી સહિતની સામગ્રીઓ વિનામૂલ્યે આપી હતી અને આ ભરતભાઈ ઠક્કરે 7 કારીગરો દ્વારા સતત ચાર દિવસ સુધી કામ કરી 2 હજાર કિલો લાડુ તૈયાર કર્યા છે.
જે લાડુ લોકોને મજૂરીના પૈસા લઈ માત્ર 50 રૂપિયા કિલો લેખે આપવામાં આવી રહ્યા છે. આમ બજારમાં 150 રૂપિયે કિલો મળતા લાડુ આ કરુણા ભક્તિ સંસ્થાએ ₹50 કિલોમાં લોકોને આપી સેવા કરી છે.
આ અંગે કરુણા ભક્તિ પરિવારના ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, ઉતરાયણના દિવસે લોકો અબોલ પશુઓને ખવડાવવા માટે અલગ અલગ જગ્યાએ મોંઘા ભાવે લાડુ બનાવતા હોય છે, પરંતુ કેટલાક સેવાભાવી લોકોએ મારો સંપર્ક કરી પશુઓ માટે લાડુ બનાવવાની વાત કરી હતી. જેથી લોકોના આપેલા દાનથી અમે મજૂરી કરી આ લાડુ તૈયાર કર્યા છે. જે લાડુ માત્ર મજૂરીના ખર્ચે એટલે કે ટોકન ખર્ચે લોકોને આપી સેવા કરી છે. ગત વર્ષે મેં 1 હજાર કિલો લાડુ બનાવ્યા હતા પરંતુ આ વખતે લોકોની માંગ વધારે હોવાથી 2 હજાર કિલો એટલે 20 હજાર નંગ લાડુ બનાવ્યા છે.