ડીસાના જુનાડીસા-વાસણા રોડ પર આજે ડમ્પરચાલકે એક શિક્ષિકાને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી તેને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગ્રામજનોએ ભારે હંગામા મચાવી ડમ્પરચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ડીસા તાલુકાના જુનાડીસા-વાસણા રોડ પરથી રોજબરોજ અનેક ડમ્પરો રેતી ભરીને પસાર થાય છે. તેમજ કેટલાક બેફામ ચાલતા ડમ્પરચાલકોના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. તે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા આરતીબેન ગેલોત એક્ટિવા લઈને વાસણા પાસેથી પસાર થઈ રહિ હતી. તે સમયે બેફામ ચાલી રહેલા એક ડમ્પરચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઈજા થઈ હતી.
શિક્ષિકાએ આગળ જઇ ડમ્પરને રોકાવતા ડમ્પરચાલકે નીચે ઉતરી શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી શિક્ષિકાએ આ અંગે જાણ કરતા તેના પરિવાર સહિત ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બેફામ ચાલી રહેલા ડમ્પરચાલકોના કારણે વારંવાર થતાં અકસ્માતોથી કંટાળેલા ગ્રામજનોએ હંગામો મચાવી ડમ્પરચાલકો સામે રોષ ઠાલવ્યો હતો.
આ બનાવ અંગે શિક્ષિકા આરતીબેન ગેલોતે જણાવ્યું હતું કે, હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી તે સમયે એક ડમ્પરચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. બાદમાં ડમ્પરને થોભવતા ચાલકે લાફો મારી મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી મે તરત જ પરિવારજનો અને ગ્રામજનોને બોલાવી ડમ્પરચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. આ રોડ પર બેફામ ચાલતા ડમ્પરચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે અને રોડ પરથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. ત્યારે આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.