હાલોલ શહેરના પાવાગઢ રોડ પર લકી ટ્રેડર્સ નામનું પ્લાસ્ટિકના તેમજ લોખંડના ડ્રમ સહિતની ચીજ વસ્તુઓના ભંગારનું ગોડાઉન આવેલું છે જ્યારે તેની બાજુના જ લાકડાના ભંગારનું પણ ગોડાઉન આવેલું છે જેમાં લકી ટ્રેડર્સમાં ગઈકાલે બુધવારે રાત્રિના 11:30 કલાકના સુમારે કોઈક કારણોસર એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં પ્લાસ્ટિકના ડ્રમ સહિતના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં જ આવેલા લાકડાના ભંગારના ગોડાઉનમાં પણ આગ પ્રસરી જવા પામી હતી અને જોત જોતામાં લાકડાના ગોડાઉનમાં પણ આગ ફેલાતા બન્ને ભંગારના ગોડાઉનનો સર સામાન આગમાં ભડભડ બળવા લાગ્યો હતો અને આગની વિકરાળ જ્વાળાઓ ઉત્પન્ન થતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠવા પામ્યા હતા. જે જોઈએ આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને મોડી રાતે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાબડતોડ અગ્નિશમક વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં ફાયર ફાઈટરની ટીમના સબ ફાયર ઓફિસર મોઈન શેખની આગેવાની હેઠળ ફાયર ફાઈટરની ટીમના કર્મચારી જયેશ કોટવાળ, જીતેન્દ્રસિંહ સોલંકી,ઉપેન્દ્ર બારીયા અને નિકુલ પરમારે બે થી અઢી કલાકની ભારે મુશ્કેલ ભરી જહેમત બાદ રાત્રીના બે વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા આસપાસ આવેલા અન્ય ભંગાર સહિતના વ્યવસાય કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે આગમાં બન્ને ભંગારના ગોડાઉનમાં મુકેલા પ્લાસ્ટિકના ડ્રમ અને લાકડાનો સામાન બળીને ખાખ થઈ જતા બંન્ને ગોડાઉનના માલિકને ભારે નુકસાન થયું હોવાની માહિતી મળવા પામી છે જ્યારે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી.