પાવીજેતપુરના ભારજ પુલ નજીક બનેલા જનતા ડાયવર્ઝન ઉપર માવઠા થી કાદવ કિચડ થતા રસ્તો બંધ

            પાવીજેતપુરના ભારજ પુલ ની નજીક બનાવેલ જનતા ડાયવર્ઝન ઉપર કમોસમી વરસાદ થતાં કાદવ કિચડ થઈ જતા વાહનોના પૈડાં ફસાઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. 

              પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો પુલ પાંચ માસ અગાઉ બેસી જવાના કારણે તંત્ર દ્વારા કોઈ નક્કર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી ત્યારે જનતાએ સ્વયંભૂ તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજુભાઈ રાઠવા એ રસ લઇ આર્થિક મદદ કરતા જનતા ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ જનતા ડાયવર્ઝન ઉપર ચાર છાંટા પડતા ની સાથે જ કાદવ કિચડ થઈ જતાં રસ્તો બંધ થઈ જાય છે. મંગળવારની મોડી રાત્રિએ કમોસમી વરસાદ વરસવાના કારણે આ જનતા ડાયવર્ઝન ઉપર કાદવ કિચડ થઈ જતા એક ટ્રક ફસાઈ જવા પામી હતી. તેને કાઢવા માટે બીજી ટ્રક આવી હતી તે પણ ફસાઈ ગઈ હતી. તેને મહામુસીબતે બહાર કાઢી હતી. કાદવ કિચડ થઈ જવાના કારણે ટાયરો સ્લીપ ખાઈ જતાં હતાં. કાદવ કિચડના કારણે આ રસ્તાને બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી. ૩૦ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો થતો હોય તેથી કેટલાક વાહન ચાલકો પોતાના જોખમે આ જનતા ડાયવર્ઝનનો ઉપયોગ કરતા નજરે પણ પડતા હતા. 

           આ જનતા ડાયવર્ઝન છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ ડાયવર્ઝન ઉપર ગ્રેવલિંગ કરી ડામર પાથરી મજબૂત ડાયવર્ઝન બનાવી દેવામાં આવે તેમ જનતા ઇચ્છી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે માવઠું થઈ જાય છે અને આ જનતા ડાયવર્ઝન બંધ થઈ જાય છે. તંત્ર આ અંગે કોઈ નક્કર નિર્ણય લે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યુ છે.

બોક્ષ ...૧

          રોડ ખાતા ના અધિકારીને ઓલવેધર ડાયવર્ઝન અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મંજૂરી માટે મોકલી આપેલ છે. જાન્યુઆરીના અંત સુધી ઓલવેધરની કામગીરી શરૂ થઈ જવાની શક્યતા છે. તેમજ નવીન બ્રિજ માટેની કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન નાના વાહનો વાળા ને તકલીફ ન પડે તે માટે હાલ જે ભારજનો પુલ બેસી ગયો છે તેના સમારકામ માટે પણ પ્રોસેસ કરી દેવામાં આવ્યો છે. જેની ટૂંક જ સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે.