રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના ઓઢવા ગામમાં 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યું છે. જેમાં ડીસા તાલુકાના ઓઢવા ગામે રહેતા નરસિંહજી વાઘેલા ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે દરમ્યાન ગતરાત્રિએ અચાનક છાતીમાં દુખાવો થતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ક્યારે ડીસા તાલુકામાં પણ અત્યાર સુધી પાંચ જેટલા લોકોનું હાર્ટ એટેકથી મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.