પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની દયનીય હાલત : શિયાળામાં ચોમાસાની પ્રતીતિ

             પાવીજેતપુર પંથકમાં મંગળવાર ની મોડી રાત્રે એકાએક કમોસમી વરસાદ વરસતા કપાસ, તુવેર ના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય થઈ જવા પામી છે. શિયાળામાં ચોમાસાની પ્રતીતિ થઈ રહી છે તેમજ ઠંડીમાં પણ ખૂબ વધારો થઈ જવા પામ્યો છે. 

            પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદે ફરી એક વાર ખેડૂતો માટે વિકટ સ્થિતિ સર્જી છે. વરસાદને કારણે શિયાળું પાકને ભારે નુકસાનના એંધાણ વર્તાઈ રહ્યાં છે.આ કમોસમી વરસાદને કારણે કપાસ, તુવેર જેવા પાકોને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગરને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

જેના કારણે પાવીજેતપુર પંથકમાં માવઠું મોટી મુસીબત લઇને આવ્યું છે. 

           મંગળવાર ની મોડી રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવી વરસાદના છાંટા ચાલુ થઈ જવા પામ્યા હતા. જે વરસાદ વરસતા નેવાના પાણી ટપકી જઇ ચોમાસાની પ્રતીતિ કરાવતા હતા. આખી રાત ઝરમર, ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે સવારે પણ વાદળછાયું વાતાવરણ રહેતા ચોમાસાની પ્રતિતી થતી હતી. સ્વાભાવિક રીતે જ એકાએક માવઠું થતાં ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરોમાં દોડતા નજરે પડતા હતા. જ્યારે કેટલાક કિસાનોએ પોતાના પાકને બચાવવા માટે કાપેલા પાક ઉપર પ્લાસ્ટિક ઢાંક્યું હતું. તેમજ કેટલાક ઈંટોનો ભઠ્ઠાવાળા પણ પ્લાસ્ટિક લઈ પોતાના ભઠ્ઠાઓને ઢાંકતા નજરે પડતા હતા. કમોસમી વરસાદ વરસતા વન કુટીર થી નગરમાં આવતા રોડ ની બંને બાજુ બનેલા પતંગ, દોરાના માંડવા પણ ભીંજાઈ ગયા હતા. 

           આમ, પાવીજેતપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે કપાસ, તુવેર ના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય થઈ જવા પામી છે. તેમજ શિયાળામાં ચોમાસા જેવી હાલત થઈ જવા પામી હતી. સ્વેટરના બદલે લોકોને રેનકોટ પહેરવાની ફરજ પડી હતી.