ડીસા ખાતે આવેલ શુભમ પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવનું ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઇન્ટરનેશનલ યોગ ગુરૂ શ્રી શૈલેષજી રાઠોડે યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શિખવ્યા હતા. આ યોગ મહોત્સવમાં બનાસકાંઠા જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રોગમુક્ત શરીર બને અને આનંદમય જીવન બને તેવા ઉમદા હેતુથી આર્ટ ઓફ લિવિંગ પરિવાર-ડીસા દ્વારા યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રથમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ ગુરૂ શૈલેષજી રાઠોડનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ યોગ ગુરૂ શૈલેષજી રાઠોડે સરળ અને મસ્તી સાથે યોગની શરૂઆત કરી હતી. જેમાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ યોગ મહોત્સવમાં ગુરૂજી શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં લોકોમાં તણાવ વધી ગયો છે. યોગ દ્વારા તણાવ દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકાય છે. યોગ એટલે જોડવું જેટલાં જોડાયેલા રહેશો એટલું મન ખુશ રહેશે. સમાજ સાથે જોડાયેલું રહેવા તેઓએ અનુરોધ કર્યો હતો. આર્ટ ઓફ લિવિંગ લેવલ-1 માં નાના-નાના આસનો, નાની-નાની યોગક્રિયા અને ભોજન અંગેની માહિતી આપવામાં આવે છે. આના દ્વારા આપનું જીવન વધારે સુંદર અને શક્તિશાળી બનાવી શકાય છે.
યોગ શરીરને સુદૃઢ બનાવે છે અને મનને એકાગ્ર બનાવે છે. આ યોગ મહોત્સવમા ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યોગ મહોત્સવમાં યોગ ગુરૂ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.