ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. આગામી 9 થી 11 તારીખ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા પંથકમાં બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકશાન થઇ શકે તેમ છે.

ડીસા પંથકમાં ખેડૂતોને કુદરતી પ્રકોપના કારણે વારંવાર નુકસાન થાય છે, કુદરત જાણે ખેડૂતો પર રૂઠી હોય તેમ પછી એક પછી એક કુદરતી આફતોથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર હવામાં વિભાગે આગામી 9 થી 11 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા ગયા છે. ડીસા પંથકમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે અને આ વર્ષે ખેડૂતોએ અંદાજિત 64 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કર્યું છે. બટાકાનો પાક પણ હવે તૈયાર થઈ ગયો છે જો કે, આ વખતે હજુ સુધી ઠંડી બરાબર પડી નથી. જેથી બટાટામાં જોઈએ તેવું સારું ઉત્પાદન થયું નથી. તેમ છતાં પણ બટાટાનો પાક હવે તૈયાર થઈ જવા આવ્યો છે અને તેવામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

જો આગાહી મુજબ વરસાદ થાય તો બટાટાના ઉત્પાદન પર માઠી અસર પડી શકે તેમ છે અને ફરી એકવાર ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવશે. ત્યારે હવે વરસાદના કારણે નુકશાન ન થાય તે માટે ખેડૂતો કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે.

આ આગાહી અંગે કાંટ ગામના ખેડૂત આગેવાન કિર્તીભાઇ પટેલ અને નવિનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, બટાટાના વાવેતરની શરૂઆત થઇ તે સમયે પણ કમોસમી માવઠુ થતા અનેક જગ્યાએ બટાકાનું વાવેતર ફેલ થઈ ગયું હતું. તેમ છતાં પણ કેટલા ખેડૂતોએ હિંમત કરી બટાટાનું વાવેતર ફરી કર્યું છે અને હવે જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ જવા આવ્યો છે ત્યારે ફરી વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે અને જો વરસાદ થશે તો ફરી ખેડૂતોને પાયમાલ થઈ જશે માટે સરકારે વારંવાર કમોસમી માવઠાથી કે કુદરતી પ્રકોપથી નુકશાન થતાં ખેડૂતો માટે કંઈક આયોજન કરવું જોઈએ.