ડીસામાં જુના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલા વીજ થાંભલાને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. રાત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ડીસામાં જુના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇકો ગાડી પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલા વીજ થાંભલાને ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકોએ તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્ત ગાડી ચાલકને બહાર નીકળ્યો હતો.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જુના બસ સ્ટેન્ડ એ ભરચક વિસ્તાર છે અને અહીં દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે ત્યારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.