સેવાયજ્ઞ ભાગ - 3 અને 4

 ભારત વિકાસ પરિષદ પાલડી, અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ- ખેડબ્રહ્માના ઉપક્રમે જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ 

 તા : ૩.૧.૨૪ અને ૪.૧.૨૪

 સ્થળઃ વીરા ફળો અને મગરા ફળો પ્રાથમિક શાળા, તા: પોશીના તથા ગોરીયા ફળો પ્રાથમિક શાળા, તા: ખેડબ્રહ્મા**

૧. *વીરાફળો પ્રાથમિક* શાળા: ખેડબ્રહ્માથી અંદાજે 55 કિલોમીટર દૂર રાજસ્થાન બોર્ડર પાસે આવેલી વીરાફળો પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ પાલડી તથા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દાતાઓ શ્રી ગુણવંતસિંહજી રાઠોડ-BZ ગ્રુપ ,પ્રા. જે. બી દવે -પૂર્વ અધ્યાપક ઇડર કોલેજ અને વડાલીના એક જૈન શ્રેષ્ટીના સહયોગથી 167 જેટલા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વેટર મેળવતા બાળકોનો ખુશ ખુશાલ ચહેરા જોઈ એમ લાગ્યું કે દાતાઓનું દાન સાર્થક થયું. કાર્યક્રમ દરમિયાન શાળાના કર્મઠ શિક્ષક- સમાજ શિક્ષક શ્રી બીરબલભાઈ રાઠોડ અને સૌ શિક્ષકોનો સહયોગ પ્રશનીય રહ્યો હતો.

૨. *મગરાફળો પ્રાથમિક શાળા, તા: પોશીના* 

ખેડબ્રહ્માથી અંદાજે ૬૦ કિલોમીટર દૂર રાજસ્થાન બોર્ડર પાસે આવેલી મગરાફળો એવી પ્રાથમિક શાળા છે કે જ્યાં જવા માટે અમે રાજસ્થાનમાં આવેલી એક પ્રાથમિક શાળામાં અમારી ગાડી મૂકી દોઢેક કિલોમીટર ચાલ્યા ત્યારે એક નળિયાવાળા ખોલરામાં- ઘરમાં ચાલતી એ શાળા સુધી પહોંચી શકાયું. આ શાળામાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના દાતા વડાલીના એક જૈન શ્રેષ્ટીના સહયોગથી 67 જેટલા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ શાળામાં પહોંચીને એવું લાગ્યું કે અમે ખરા અર્થમાં જેને જરૂર છે તે બાળકો સુધી પહોંચ્યા છીએ. બાળકો અહીંયા કાચા ઘરમાં ભણી રહ્યા હતા, ખૂણામાં એક કુકડી પણ શાંતિથી બેસીને વિદ્યાર્થીઓને નીરખી રહી હતી. સ્કૂલનું વાતાવરણ પણ બાળકોના ઘરના પરિવેશ જેવું જ હતું.કદાચ એટલે જ બાળકો એક્ટિવ હતા. કહી શકાય કે ભણવું હોય એના માટે ભૌતિક સગવડો કરતા પણ લગન , જિજ્ઞાસા અને મુક્ત પરિવેશ એ વધારે મહત્વનું છે.ભણાવનાર શિક્ષકોને પણ વંદન. વળી આ ઘરમાં પુત્રવધુ તરીકે અમારી જ પૂર્વ વિદ્યાર્થીની હતી . એને મળીને દીકરીને મળ્યા હોઈ એવો આનંદ થયો. એ પણ વિદ્યાર્થીઓની કેર લેતી હોય એવું દેખાયું.આ પ્રસંગે સ્વેટર મળ્યાની ખુશીઓ બાળકોના ચહેરા પર જોઈ શકાતી હતી .

આ શાળાએ જતા ગુજરાત રાજસ્થાન બોર્ડરના પીલ્લર આવતા હતા. એક બાજુ ગુજરાતનું ખેતર અને બીજી બાજુ રાજસ્થાનનું ખેતર. ખેતરના શેઢાની ધાર ઉપર ઉભા રહીને અમે રાજસ્થાન ગુજરાતની સરહદ ઉપર ઊભા રહેવાનો આનંદ લીધો- એક વિશેષ રોમાંચ અનુભવ્યો.

આટલી દૂરદરાજની શાળા સુધી પહોંચવા માટે આંગળી ચિંધ્યાનું પુણ્ય એ વીરા ફળો શાળાના શિક્ષક શ્રી બિરબલ રાઠોડ જાય છે.સ્વેટર મેળવતા બાળકોનો ખુશ ખુશાલ ચહેરા જોઈ એમ લાગ્યું કે દાતાઓનું દાન સાર્થક થયું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ વતી પ્રા . ડો.રોહિત જે દેસાઈ ,શ્રી હસમુખભાઈ પંચાલ, શ્રી રાજુભાઈ રાવલ અને શ્રી શક્તિસિંહ સોલંકીની સક્રિય ઉપસ્થિતિ રહી હતી.

૩. *ગોરીયાફળો પ્રાથમિક શાળા, તા: ખેડબ્રહ્મા* 

ખેડબ્રહ્માથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર રાજસ્થાન બોર્ડર પાસે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગોરિયાફળા પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ પાલડીના ઉપક્રમે ૧૧૭ જેટલાં બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આટલા ઊંડાણના વિસ્તારમાં પણ શિક્ષકો બાળકોને ખૂબ ખૂબ ખંતથી ભણાવતા હતા તે નજરે જોયું. તેઓ બાળકોના વિકાસ માટે યથા સંભવ દરેક પ્રકારની મદદ કરવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યા છે એ પણ જાણ્યું . ભવિષ્યમાં આ વિસ્તારમાંથી ગરીબી દૂર થશે અને જીવન ધોરણ ઊંચું આવશે તો એનો યશ આવા શિક્ષકોને જ હશે. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ રાઠોડ અને સૌ શિક્ષકોનો સહયોગ પ્રશંશનીય રહ્યો હતો.

ભારત વિકાસ પરિષદ તરફથી પ્રા .ડો. રોહિત જે .દેસાઈ ,ડો. હરપાલસિંહ ચૌહાણ ,ડો.

 શક્તિસિંહ સોલંકી અને શ્રી મનોજભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ નોંધ: સેવાકીય કાર્યની સાથે અમે રાજસ્થાનમાં આવેલી ફૂલવારીના જંગલ વિસ્તાર, તેમજ રાણા પ્રતાપનું જ્યાં રાજતિલક થયું હતું તે ટીલેશ્વર મહાદેવની જગ્યા પણ જોઈ. એજ રીતે ભીમનો પાળો અને માઉન્ટ આબુના ચઢાણ કરતા પણ વિકટ ચઢાણવાળા રોડ પર પહાડોની ટોચે પહોંચ્યા.એજ રીતે કકુંનું ઝાડ જોયું ,તો; પાનરવાનું ભોજન પણ ખૂબ લિજ્જતવાળું રહ્યું . આજ પ્રમાણે રીતે બીજા દિવસે મામેર રાજઘરાનાના શ્રી હરેન્દ્રસિંહજી બાપુ અને હિતેન્દ્રસિંહ સાથેની મુલાકાત પણ યાદગાર રહી.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહમાના પ્રમુખ ડો. હર્ષદભાઈ પટેલનું માર્ગદર્શન રહ્યું હતું.

એકંદરે સેવા અને પ્રવાસન બંનેનો આનંદ મેળવ્યો.