ભાવનગરના રહીશ આસીફભાઇ હુસેનભાઇ છોધારીએ સુરેન્દ્રનગર ધોબી સોસાયટીના સોહીલભાઇ ખોખર પાસેથી મિત્રતાના ભાવે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.જે રકમ ચૂકવવા માટે ઉઘરાણી કરતા આસીફભાઇએ 50 હજારના 2 ચેક લખી આપ્યા હતા.જે બેંકમાં વસૂલવા માટે નાંખતા બેલેન્સના અભાવે પરત થયા હતા.આથી સોહિલભાઇએ વકીલ અશ્ર્વિનભાઇ આર સોલંકી મારફત કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ,નોટિસ કર્યાની પહોંચ, આરોપીનો નોટિસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જજે આરોપી આસીફભાઇને 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને વળતર રૂપે ચેકની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ચેક રિટર્ન કેસના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.