હિંમતનગરના ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ*
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં નવ ચેતના કેન્દ્ર ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ હતી.
આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તા.૧૦મી જાન્યુઆરી થી તા.ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન કરૂણા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે.
કરૂણા અભિયાન ૨૦૨૪ માટે વન વિભાગ દ્વારા વેટનરી ચિકિત્સા અધિકારી,પશુપાલન વિભાગના સહિયોગથી જિલ્લાકક્ષાએ એક અને રેંજ કક્ષાએ ૧૦ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. તેમજ અંદાજે ૧૦ પશુ ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે. જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે.તેમજ રાજ્યના તમામ પક્ષી સારવાર કેંદ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયંમ સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ વોટસઅપ મેસેજમાં karuna મેસેજથી મળી રહેશે.
આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપિલ કરી છે.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી એચ.જે ઠક્કર, નાયબ વન સંરક્ષકશ્રી એસ.ડી પટેલ,આર.એફ.ઓશ્રીઓ તેમજ વિવિધ સેવાભાવી એન.જી.ઓના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.