ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ પાસે સાંજે જમીને વોકીંગમાં નીકળેલા યુવકને બાઈકચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હોવાની ઘટના બની છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા આકાશ વિલા સોસાયટીમાં રહેતો સંજય ઠક્કર નામનો યુવક સાંજે જમીને વોકિંગમાં નીકળ્યો હતો અને રાબેતા મુજબ તે ચાલતા ચાલતા ભોયણ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત બાદ બાઈકચાલક બાઈક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંજય ઠક્કરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં પગે ફ્રેક્ચર થતા યુવક અત્યારે સારવાર હેઠળ છે જે મામલે ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે લેખિત જાણ કરી છે.