ગાંધીનગરના પેથાપરની 16 વર્ષીય સગીરાનું ડીસામાંથી અપહરણ કરી જનાર યુવકને સગીરા સાથે પોલીસે પકડી પાડ્યો અને સગીરાને તેના પરિવારજનોને સોંપી યુવકની અટકાયત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરના પેથાપુરમાં રહેતી એક 16 વર્ષીય સગીરા તેના પરિવારજનો સાથે ડીસા આવી હતી. તે સમયે અગાઉથી જ પરિચિત પેથાપુર ગામનો યુવક વિશાલ લાલાભાઈ રાવળ પણ સગીરાની પાછળ પાછળ ડીસા આવી પહોંચ્યો હતો. બસ સ્ટેન્ડ પાસે સગીરાને એકલી જોઈ તેને લગ્નની લાલચ આપી યુવક તેનું અપહરણ કરી ગયો હતો. જે અંગેની ફરિયાદ સગીરાના માતાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતા જ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ બંને મહેસાણા તાલુકાના ધાંધણજ ગામે હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને બંનેને શોધી કાઢ્યા હતા. બંનેને પકડ્યા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવી સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી જ્યારે આરોપીની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.