વઢવાણ ખાતે આવેલ આનંદભુવન ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોળી સમાજના જિલ્લાભરના સામાજીક અને રાજકીય આગેવાનો સહિત યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોળી સમાજને વધુ સંગઠિત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર વઢવાણ ખાતે આવેલ આનંદભુવનમાં સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત તળપદા કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજનો સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય સહિત દરેક ક્ષેત્રે સર્વાગી વિકાસ થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કોળી સમાજના આગેવાનો કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ હોય પરંતુ કોળી સમાજની એકતા ટકાવી રાખવા આહવાન કર્યું હતુ.જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આંતરિક રાજકીય ભેદભાવ ભૂલી કોળી સમાજ વધુ સંગઠિત થાય તે અંગે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તકે વઢવાણ કોઠારીયા રામરણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ ચોટીલા કાળાસર કોળી સમાજની જગ્યાના મહંત વાલદાસ બાપુ સહિત તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનો ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સોમાભાઇ પટેલ સહિત જીલ્લાભરમાં થી તળપદા કોળી સમાજના આગેવાનો, હોદેદારો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.