સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતના આઇકોનિક સ્થળોએ પણ સૂર્યનમસ્કાર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ઉપસ્કતિથ મહાનુભવો દ્વારા કરાઈ હતી જેમાં આજે ૨૦૨૪ના આરંભ સાથે નવા વર્ષની શરૂઆતની શુભ સવારે આજે પાવાગઢ જાણે યોગમય બન્યું હોય તેમ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ સૂર્યનમસ્કાર અંતર્ગત યોગ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ મામલતદાર બી.એમ.જોશી, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ સહિત અનેક અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા.