સુરેન્દ્રનગરના વતની અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમો થકી થતી આવક શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરે છે.ત્યારે રવિવારે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો ઉલ્લેખ કરીને તેમની સેવાને બીરદાવી હતી.આજના હળાહળ કળીયુગમાં માણસો માટે રૂપીયો જ સર્વસ્વ છે. ત્યારે કળીયુગમાં પણ સતયુગ જેવી અનુભુતી થાય તેવુ કાર્ય ઝાલાવાડનું ઘરેણુ એવા આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી કરી રહ્યા છે. તેઓ 50 વર્ષ પછીની વય વટાવ્યા બાદ છેલ્લા 6 વર્ષથી કાર્યક્રમોમાં થતી આવક શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરી રહ્યા છે.તાજેતરમાં જ અનુજ ડો. કલ્પેશ ત્રિવેદીના 50મા જન્મ દિવસે ડો. જગદીશ ત્રિવેદીએ શાળાની ભેટ આપી હતી. આ ઉપરાંત પોતાના કલાગુરૂ શાહબુદ્દીન રાઠોડના નામે પણ શાળા તેઓએ બનાવી છે. દર વર્ષે કાર્યક્રમોમાં થતી આવક તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કર્યા બાદ વર્ષના અંતે સેવાનું સરવૈયુ પણ બહાર પાડે છે. ત્યારે રવીવારે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વાત કહી હતી.વડાપ્રધાને જણાવ્યુ કે, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. જેમાં હાસ્યના કાર્યક્રમો રજુ થાય છે. જે મનોરંજન સાથે જ્ઞાન આપે છે. ત્યારે છેલ્લા 30 કરતા વધુ વર્ષથી હાસ્ય પીરસતા ડો. જગદીશ ત્રીવેદી 3 વખત પીએચ.ડી. થયા છે. અને 75થી વધુ પુસ્તકો તેઓએ લખ્યા હોવાનું જણાવ્યુ હતુ. 6 વર્ષમાં તેઓએ રૂપીયા 8.45 કરોડ રૂપીયા આરોગ્ય અને શિક્ષણ પાછળ દાન આપ્યા છે. ડો. જગદીશ ત્રીવેદીએ વડાપ્રધાનને મોકલેલા સેવાનું સરવૈયુ પુસ્તકનો ઉલ્લેખ કરતા તેઓ વર્ષ 2022માં 2,35,79,674 રૂપીયાની આવક સામે રૂપીયા 2,35,79,674નું દાન વીવીધ ક્ષેત્રે દર્શાવે છે.