કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે વઢવાણ તાલુકા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ સંબધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન-સુચનો આપ્યા હતા.આ બેઠકને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વઢવાણ તાલુકાના દરેક લોકો સુધી સમયસર પહોંચે અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઈ-ગ્રામ યોજના, જનાની સુરક્ષા યોજના, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્ર્નોેનુ તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી સુચન કર્યુ હતુ.ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી.એન. મકવાણાએ આ બેઠકમાં વઢવાણ તાલુકામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, આઈ.એ.એસ. અમૃતેશ ઓરંગાબાદકર, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા તેમજ અગ્રણીઓ ધનરજભાઈ કૈલા, ધનજીભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ આચાર્ય સહિત સંબધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.