બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર કરતા વિદ્યાર્થિનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમોએ વિદ્યાલયમાં પહોંચી વિદ્યાર્થિનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે. જ્યાં અંતરિયાણ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન દ્વારા વિદ્યાર્થિનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે, તેના જન્મદિવસની ઊજવણી માટે વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે, એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવર-જવર કરતો હતો. ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવર-જવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો હતો.

વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થિનીઓને હેરાન કરતા વિદ્યાર્થિનીઓ ખૂબ જ પડી ભાંગી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થિનીઓ વિદ્યાલયના પ્રાંગણમાંજ ધરણા પર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતા જ જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે કલાક સુધી એક પછી એક વિદ્યાર્થિની અને વાલીઓની રજૂઆત સાંભળી હતી. ત્યાર બાદ આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તરત જ વોર્ડનને રજા પર ઉતારી દઇ તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે વિદ્યાર્થિની રસીલા ચૌધરી, મિતલ ચૌધરી અને વાલી પીનાબેન માળીએ જણાવ્યું હતું કે, અહીંના વોર્ડન દ્વારા વિદ્યાર્થિનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. અભ્યાસ સિવાયના વિવિધ કામો કરાવે છે, વોર્ડનના છોકરાનો બર્થડે હોય તો પણ વિદ્યાર્થિનીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. વોર્ડનનો પતિ પણ અનઅધિકૃત રીતે વિદ્યાલયમાં અવરજવર કરે છે. જેથી આજે કંટાળીને તમામ વિદ્યાર્થિનીઓ ધરણા પર બેસી ગઈ છે અને જ્યાં સુધી વોર્ડન સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હોવાની માહિતી મળતા જ અમે તરત અહીં આવ્યા છીએ. વિદ્યાર્થિનીઓ અને વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ અમે તરત જ વોર્ડનને રજા પર ઉતારી દીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.