કુપોષણના શ્રાપથી બનાસકાંઠા જિલ્લાને મુક્ત કરવા માટે આજે બનાસકાંઠાની એક શાળાના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કર્યો હતો. સલાડ ફેસ્ટિવલ યોજના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સલાડ બનાવી શિયાળામાં પોષણક્ષમ આહાર લઈ કુપોષણને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કર્યા હતા.

ડીસા તાલુકાના માલગઢ ગામે શેેઠ શ્રી એલ. એચ. માળી આદર્શ હાઇસ્કુલ ખાતે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધુ બાળકોમાં કુપોષણની સંખ્યા બનાસકાંઠાના બાળકોમાં પણ જોવા મળે છે. ત્યારે શિયાળામાં સલાડનું ભોજનમાં શું મહત્વ છે, લોકોમાં આરોગ્યપ્રદ ભોજન અંગે જાગૃતિ આવે અને વિવિધ પ્રકારના સલાડ કુપોષિત બાળકોને પોષિત કરવામાં કેવી ભૂમિકા ભજવી શકે છે. તેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં કુલ 120 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

આ વિદ્યાર્થીઓએ જાતે જ અલગ-અલગ 60 પ્રકારના સલાડ બનાવ્યા હતા જેમાં શિયાળામાં આવતા આમળા, બીટ, મોસંબી, સંતરા, ગાજર, મૂળા ,કોબીજ સહિત 30 જેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શરીરને સંપૂર્ણ પોષણ આપતા સલાડ બનાવ્યા હતા અને સલાડની સાથે સાથે વિદ્યાર્થીઓએ કયા સલાડમાંથી કેવા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો મળી રહે તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ અંગે શાળાના આચાર્ય મિલનભાઇ રાવલે પણ જણાવ્યું હતું કે, લોકોમાં આહાર પ્રત્યે જાગૃતિ આવે લોકો પોતાના બાળકોને કુપોષણના શિકાર માથી બચાવવા શરીરને અનુકૂળ અને સ્વાસ્થ્યપ્રદ આહાર અને હંમેશા ભોજનમાં સલાડનો સમાવેશ કરે તે માટે આજે સલાડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું આ સલાડ ફેસ્ટિવલમાં ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, શાળાના પ્રમુખ અમૃતલાલ પી. પઢિયાર, વ્યાયામ શિક્ષક મુકેશભાઇ પઢિયાર સહીત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રકારના સલાડનો ટેસ્ટ કરી, કુપોષણ સામે અનોખી રીતે લડત આપતા વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો.