પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી..

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે કલેકટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુસાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રહેલા અધિકારીઓએ એમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે. આથી, સુશાસનની શરૂઆત એમનાથી થાય છે. જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓએ પ્રયાસ કરવાનો હોય છે. તેઓ જણાવ્યું કે સુશાસન માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે. પ્રથમ છે લોક સંપર્ક અને ઉપલબ્ધતા. જેનાથી લોકોના પ્રતિભાવો સારી રીતે અધિકારીને મળી શકે છે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે છે. બીજું છે અધિકારીની કાર્યક્ષમતા. દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ. ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ. જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની વિભાવના ચરિતાર્થ થાય.

બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરી હોય એવી કચેરીઓને એક થી ત્રણ નંબર આપી પ્રમાણપત્ર એનાયત કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબરે જિલ્લા મુખ્ય તબીબી અધિકારીની કચેરી, બીજા નંબરે મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી અને ત્રીજા નંબરે નાયબ વન સંરક્ષક - સામાજિક વનીકરણની કચેરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એન.પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.