ડીસા તાલુકાના સોયલા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામની માર્જિનની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર દબાણદારને નોટીસ ફટકારી અને વિકાસના કામોમાં અડચણરૂપ બનતા આવા દબાણો સાત દિવસમાં જાતે દબાણ દૂર કરવા જણાવ્યું છે.

ડીસા તાલુકાના સોયલા ગામના મુખ્ય માર્ગો પર અને સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી દબાણો ખૂબ જ વધી ગયા છે. જેના કારણે એ વિસ્તારમાં વિકાસના કામો થઈ શકતા નથી અને ગેરકાયદેસર દબાણો ગામના વિકાસમાં અડચણરૂપ બને છે. જેથી ગ્રામ પંચાયતે આવા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત પંચાયત દ્વારા દબાણ હટાવવા અવારનવાર તેઓને નોટિસ આપવામાં આવી હતી.

જોકે, તેમ છતાં દબાણ દૂર ન કરતા હવે પંચાયતે સાત દિવસમાં દબાણ દૂર કરવા દબાણદારોને આખરી નોટિસ આપી છે. જો દબાણદાર સાત દિવસમાં દબાણ દૂર નહીં કરે તો દબાણદારના ખર્ચે અને જોખમે પંચાયત દબાણ હટાવશે તેમ નોટીસમાં જણાવ્યું છે. આ ઉપરાંત તેઓને મકાન ફાળવેલ પ્લોટની સનદનું પ્રુફ પંચાયતમાં રજૂ કરવા પણ જણાવ્યું છે. જો તેઓ પ્રૂફ રજૂ નહીં કરે તો તેઓએ ગ્રામ પંચાયતની અંધારામાં રાખી ગેરમાર્ગે દોરેલ છે તેવું સાબિત થશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી નોટીસમાં અપાઇ છે.

આ અંગે ગામના સરપંચ નારણભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ગામમાં ખેતરે જવાના માર્ગ ઉપર અને મફત પ્લોટની ફાળવણી કરી છે ત્યાં રસ્તા પર લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે. લોકોએ પશુ બાંધવાના વાડા કર્યા છે. કોઈએ પથરા મૂકી દબાણ કરતા ત્યાં કોઈ વિકાસના કામ થઈ શકતા નથી અને આ દબાણો વિકાસમાં અડચણરૂપ બને છે. જેથી દબાણદારોને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટીસ આપી છે.