પાલનપુરના કોન્ટ્રાકટરે ઓનલાઇન સર્ચ કરી કંપનીમાંથી 500 બેગ સિમેન્ટ મંગાવ્યો હતો. જેના માટે તેમણે રૂપિયા 2.60 લાખ ઓનલાઇન ચૂકવ્યા હતા.જોકે, સિમેન્ટ ન આવતાં પોતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતાં પાલનપુર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર બેચરપુરા વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર જલારામભાઇ દલપતરામભાઇ ઠક્કરે 3 ડિસેમ્બરના દિવસે મોબાઇલમાં સર્ચ કરી એચ.આઇ બોન્ડ સિમેન્ટ કંપનીનો નંબર મેળવ્યો હતો. જેના ઉપર ડાયલ કરતાં અજાણ્યા શખ્સ પોતે અમીતકુમારસિંહ કંપનીનો સેલ્સમેન હોવાની ઓળખ આપી વાતચિત કરી હતી.અને સિમેન્ટની એક બેગના રૂપિયા 260 ના ભાવ આપ્યો હતો. જે જલારામભાઇને વ્યાજબી લાગતાં 500 થેલી સિમેન્ટ ખરીવાની ઇચ્છા દર્શાવી હતી.

જોકે, સેલ્સમેને પેમેન્ટ અગાઉથી આપવાનું કહેતા કોન્ટ્રાકટરે રૂપિયા 1,30,000 ઓનલાઇન ટ્રાન્ફર કર્યા હતા. દરમિયાન બીલ 1000 થેલીનું બનશે તેમ કહેતા ફરીથી રૂપિયા 1,30,000 મળી કુલ રૂપિયા 2,60,000 ટ્રાન્સફર કર્યા હતા. જે પછી સેલ્સમેને ફરી કોડ ખોલવા માટે રૂપિયા 1,25,000 ની માંગણી કરી હતી. આથી પોતાની સાથે સાઇબર ફ્રોડ થયું હોવાની જાણ થતાં જલારામભાઇએ તુરંત સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરી ફરિયાદ નોંધાવી હતી.

જલારામભાઇ ઠક્કરે પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં સાઇબર ક્રાઇમના હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી રૂપિયા 10317 ફ્રીજ કર્યા હતા.