ડીસામાં એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક નગરસેવક અને નગરપાલિકાની ફાયર ફાઇરની ટીમે તાત્કાલિક બનાવસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉત્તર પ્રદેશના વતની પ્રેમસિંહ રાઠોડ સહિત ત્રણ યુવકો ધંધાર્થે ડીસામાં આવી બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહે છે. તેમજ આજે મોડી સાંજે તેઓ તેમના ઘરે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા અને ગેસ સ્ટવ ચાલુ કરવા જતા ગેસનો બાટલો લીકેજ હોવાથી આકસ્મિક આગ લાગી હતી.
આગ લાગતાં પ્રેમસિંઘ રાઠોડ હિંમતપૂર્વક સાથે સળગતો બાટલો ઢસડીને ઘરની બહાર લઈ દોડી ગયા હતા. આગ લાગી હોવાની જાણ થતાંજ સ્થાનિક નગરસેવક શૈલેષભાઈ રાજગોર અને નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી હતી. તે દરમિયાન આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગેસના બાટલા પર કંતાનનો થેલો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.