વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા યુવાનને મોબાઇલમાં મેસેજ કરવાના વહેમ બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી માર મારતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ મામલે એક મહિલા સહીત કુલ ૪ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ખોડુ ગામે રહેતા કેતનભાઇ લાભુભાઇ મકવાણા પોતાના ઘર પાસે ઉભા હતા, તે દરમિયાન ખોડુ ગામના જ મુનાભાઇ ભીખાભાઇ મકવાણા ત્યાં ધસી આવ્યા હતા અને તું બહુ માથાભારે થઇ ગયો છે, ચાલ વિજય તારી રાહ જોવે છે તેમ કહી નજીકમાં આવેલી દુકાને લઇ ગયા હતા.જ્યાં પહોંચતા જ વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા લાકડી લઇને ધસી આવ્યા હતા અને કેતનભાઇ ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યાં હતાં.મારામારી થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કેતનભાઇને વધુ મારથી બચાવ્યા હતા પરંતુ કેતનભાઇને ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા, પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.