દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જગદીપ ધનખર આજે રાષ્ટ્રપતિ ભવનમાં બપોરે 12.30 કલાકે પદ અને ગોપનીયતાના શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવશે.

જગદીપ ધનખર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું સ્થાન લેશે. વેંકૈયા નાયડુનો કાર્યકાળ આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થઈ ગયો છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા જગદીપ ધનખરે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી છે.

 

ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખરને 528 વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા હતા. જગદીપ ધનખરે વાઇસ-પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કુલ માન્ય મતોના 72 ટકાથી વધુ મતદાન સાથે જંગી જીત મેળવી હતી. ઉપપ્રમુખ પદ માટેની છેલ્લી છ ચૂંટણીઓમાં શ્રી ધનખરને સૌથી વધુ માર્જિનથી વિજય મળ્યો છે.

જગદીપ ધનખરની જીતનું માર્જિન 1997 પછીની છેલ્લી છ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં સૌથી વધુ છે. જો કે, 1992માં અપક્ષ ઉમેદવાર કાકા જોગીન્દર સિંહ સામે પડેલા 701 મતોમાંથી 700 મત મેળવીને કે.આર. નારાયણન સૌથી વધુ માર્જિન સાથે ઉપરાષ્ટ્રપતિની જીતનો રેકોર્ડ ધરાવે છે.