ડીસા નગરપાલિકાએ અત્યારે શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મુક્ત બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે અને દસ દિવસની અંદર 334 જેટલા રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.

રખડતા પશુઓની સમસ્યાથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકાએ હવે રખડતા પશુઓની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની આગેવાનીમાં રોજ રાત્રે અલગ અલગ ટીમો રખડતા પશુઓને પકડી પાંજરાપોળના હવાલે કરે છે.

છેલ્લા દસ દિવસમાં શહેરના મુખ્ય માર્ગો પરથી કુલ 334 જેટલા પશુઓની પકડી જુનાડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે. જેમાં 51 ગાય, 241 આખલા, 36 બળદ અને 1 રેડલીનો સમાવેશ થાય છે. આ પશુઓ પકડવા માટે પણ જીપીએસનો ઉપયોગ થાય છે એટલે કે કયા સ્થળેથી પશુને પકડ્યું છે અને ઉતાર્યું છે તે જીપીએસ લોકેશન અને સમય સાથે ફોટા પાડી તેની ચકાસણી પણ કરવામાં આવે છે.

અત્યારે ડીસા શહેરમાં દરેક વોર્ડમાં અંદાજિત એક હજારથી 1200 જેટલા રખડતા અને નુક્શાનકરતા પશુઓ છે. જે તમામ પશુઓને પકડી અલગ અલગ ગૌશાળામાં મુકવા માટેનું પણ નગરપાલિકાની ટીમે આયોજન કરી દીધું છે.

રખડતા પશુઓની પકડવાની કામગીરી શરૂ થતા જ હવે પશુપાલકોએ પણ તેમની પાલતુ ગાયોને શહેરમાં છોડવાનું ઓછું કરી દીધું છે. ત્યારે હવે આગામી સમયમાં શહેરીજનોને રખડતા પશુઓની સમસ્યાથી જલ્દી છુટકારો મળશે તેમ નગરપાલિકાનું માનવું છે.