વિઠ્ઠલગઢ ગામ નજીક ગાંગડ ગામના પાટિયા પાસે આવેલા પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટમાં રાત્રિના સમયે ચોકીદારના હાથ-પગ બાંધી ઢીકાપાટુનો માર મારી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી કરી તસ્કરો નાસી છુટયા હોવાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વિઠ્ઠલગઢ ગામ પાસે ગાંગડ ગામના પાટિયા પાસે આવેલા પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટમાં ખાનગી કંપની હેઠળ ફરજ બજાવી રહેલા ઓપરેટર રાત્રિના સમયે હાજર નહોતા અને ચોકીદાર પ્લાન્ટ પર એકલા ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે રાત્રે અજાણ્યા શખ્સોએ ખાટલા સાથે ચોકીદારને ફિલ્ટર પ્લાન્ટના પાછળના ભાગે લઈ જઈ પંપ હાઉસ પાસે સુવડાવી બન્ને હાથ અને પગને બાંધી મોઢા પર બ્લેન્કેટ ઓઢાડી દીધું હતું.તેમજ જબ તક હમ યહાં સે જાએ નહિ તબ તક કુછ બોલના મત તેમ કહીને ઢીકા પાટુનો માર મારી પંમ્પ હાઉસ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મરના નટ બોલ્ટ ખોલી ટ્રાન્સફોર્મરને ઉપરથી નીચે પાડયું હતું. તેમજ બાજુમાં આવેલા અન્ય વીજ ટ્રાન્સફોર્મરના પણ નટ બોલ્ટ ખોલી નાંખ્યા હતા અને ફિલ્ટર પ્લાન્ટ પાસે રહેલી ઓપરેટરની કાર લઈને ટ્રાન્સફોર્મર પાસે આવી તેમાંથી કોપરનો વાયર કાઢી કારને બહાર સુધી લઈ જઈ કોપર વાયરની ચોરી કરી નાસી છુટયા હતાં. જ્યારે સવારની શીફ્ટના ઓપરેટર ફરજ પર આવ્યા ત્યારે ચોકીદાર નજરે ન પડતાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં પાછળના ભાગમાં ચોકીદારને દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવતાં તેને છોડાવી ઈજાઓ પહોંચી હોય સારવાર અર્થે ૧૦૮ એમ્બયુલન્સની મદદથી પ્રથમ લખતર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે તસ્કરો દ્વારા અંદાજે ૫૦૦ કિલો કોપર વાયર કિંમત રૂા.૧.૨૫ લાખની લુંટ કરી હોવાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી એફએસએલ, ડોગ સ્કવોડ, ફીંગર પ્રીન્ટ એક્સપર્ટ સહિતની ટીમને બોલાવી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.