થાન તાલુકાના અભેપર ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર પથ્થરમારો કરનારા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી છે. વિભાગે આઠ શખ્સો સામે નામજોગ તેમજ આઠ અજાણ્યા શખ્સો મળી કુલ ૧૬ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.થાન તાલુકાના અભેપર ગામની સીમમાં ખનીજચોરીની ફરિયાદો ઉઠતા જિલ્લા ખાણ ખનીજ વિભાગે દરોડો પાડયો હતો. જે દરમિયાન ભૂમાફિયાઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. જેથી સ્વબચાવમાં ખાણ ખનીજ વિભાગના સિક્યોરીટી દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા. આ અંગે માઈન્સ સુપરવાઈઝર નૈતિકભાઈ કણઝરિયાએ થાન પોલીસ મથકે ગોબરભાઈ, બળવંતભાઈ શાપરા, વિજયકુમાર, રાજુભાઈ કાળાવદરા (રહે.પોરબંદર), બાબુભાઈ ગંગાભાઈ ચાવડા (રહે. ભાયાવદર), રામભાઈ, ર્કિતિકુમાર જીવણભાઈ શાપરા (રહે.રાજપર) અને રમેશભાઈ (રહે.અભેપર) સામે નામજોગ તેમજ અન્ય ૭ થી ૮ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટના સ્થળ પરથી ગેરકાયદેસર ખનીજચોરી કરતાં હીટાચી મશીન, ડમ્પર, સેન્ડ સ્ટોન સહિત અંદાજે રૂા.૨.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલા એક્સવેટર મશીન, બે ડમ્પર અને ડ્રાઈવરોને છોડાવી નાસી છુટયા હતા.